કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સહિત ગુજરાતમાં રેમડેસિવીર ઈન્જેક્શનનો મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ તેમજ અન્ય શહેરોમાં રેમડેસિવીર ઈન્જેક્શન માટે લોકો પડાપડી કરી રહ્યા છે ત્યારે ગુજરાતના જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે પણ રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે આક્ષેપ કર્યા છે.
રાજ્યમાં ઈન્જેક્શન માટે અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. આ મુદ્દે સંજય રાવલે આક્ષેપ કર્યો છે કે મહારાષ્ટ્રમાં કેસ વધુ તેમ છતાં ઇન્જેક્શન માટે લાઇન નથી, જ્યારે ગુજરાતમાં ઓછા કેસ છતાં ઇન્જેક્શન માટે પડાપડી થઈ રહી છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ અંગે વીડિયો પોસ્ટ કરીને આક્ષેપ કર્યા છે.
તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં 50 હજાર કેસ છે તેમ છતાં ત્યાં ઈન્જેક્શન મેળવવા માટે લાઈનો નથી લાગતી. જ્યારે ગુજરાતમાં 5 હજાર કેસ છે અને કલાકો સુધી લોકો ઈન્જેક્શન માટે લાઈનમાં ઉભા રહે છે. સાથે જ તેમણે ઈન્જેક્શનના કાળાબજારીનો મુદ્દો પણ આમાં ઉઠાવ્યો છે. સંજય રાવલના આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં રેમડેસિવીર ઈન્જેક્શનને લઈ ભારે અફરાતફરી સર્જાયેલી છે.