21 જૂનના રોજ ગુજરાત સહિત દેશભરથી માંડી વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ યોગ દિવસની શુભેચ્છા પાઠવી સવારે યોગ પ્રાણાયામ કરીને દિવસનો પ્રારંભ કર્યો હતો.
ત્યારે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં કેટલીક જાણીતી હસ્તીઓએ પણ પોતાના ઘરે રહીને યોગ દિવસની ઉજવણી કરી હતી. જેમાં ગુજરાતની પણ વિવિધ ક્ષેત્રમાં જાણીતી હસ્તીઓ યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ હતી.
(અભિનેત્રી જીનીતા રાવલ)
જેમાં ગુજરાતી ટેલિવિઝન ક્ષેત્રની અભિનેત્રી તેમજ પોતાની સુંદરતાથી ગુજરાતીઓના દિલ પર રાજ કરનાર જીનીતા રાવલે પણ પોતાના ઘરે વહેલી સવારે યોગ પ્રાણાયામ કરીને યોગ દિનની તેના પ્રશંસકોને શુભેચ્છા પાઠવી હતી.
સાથે જ જીનીતા રાવલે લોકોને યોગ અંગેનું મહત્વ સમજાવ્યું હતું અને લોકોને યોગાસન વ્યાયામ કરવા પ્રેરણા આપી હતી.
(મહિલા ક્રિકેટર જિગ્ના ગજ્જર)
આ ઉપરાંત ગુજરાતના મહિલા ક્રિકેટર તેમજ કોચ જિગ્ના ગજ્જરે પણ વહેલી સવારે યોગ પ્રાણાયામ કરીને આંતરરાષટ્રીય યોગ દિવસનો પ્રારંભ કર્યો હતો. જિગ્ના ગજ્જરે આ પ્રસંગે જણાવ્યુ હતું કે, રમત-ગમત માટે ફિટ રહેવુ દરેક ખેલાડી માટે આવશ્યક છે અને એ માટે યોગ પ્રાણાયામ કરવા સૌથી ફાયદાકારક અને અસરકારક છે.
જિગ્ના ગજ્જરે ના માત્ર રમત-ગતમ ક્ષેત્રના લોકોને પરંતુ અન્ય લોકોને પણ પોતાના સ્વાસ્થ્યને સારુ રાખવા તેમજ હાલ કોરોના સંક્રમણને જોતા યોગ પ્રાણાયામથી રોગપ્રતિકારક શક્તિ વધારવા આ માટે સૌને પ્રેરણા આપી હતી.