સમગ્ર દેશમાં કોરોનાની મહામારીના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં ભરૂચમાં આવેલા વાગરા તાલુકાની દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી SRF કંપનીમાં કામ કરતાં કામદારો એપ્રિલ મહિનાના પગારની માંગ સાથે હડતાળ પર ઉતરી આવ્યા હતા.
સરકારની અણઘડ નીતિ અને કંપની સંચાલકો વચ્ચે સંકલનના અભાવનો ભોગ શ્રમિકો બન્યા હતા. ત્યારે કંપની અને કોન્ટ્રાકટરો દ્વારા પૂરો પગાર ન ચૂકવવાની જાહેરાતથી કામદારો રોષે ભરાયા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માનવતાની દ્રષ્ટિએ શ્રમિકોને પગાર ચૂકવવા અને વેતન ન કાપવા કંપનીના માલિકોને અપીલ કરી હતી.
પરંતુ મહિના સુધી ઘરમાં કેદ રહેલા શ્રમિકો વેતનથી વંચિત ન રહી જાય તેની ચિંતામાં ગરક થઈ ગયા હતા. ત્યારે કંપનીનાં વફાદાર કામદારો કંપની સામે બાંયો ચઢાવી પરિસ્થિતીનો ભોગ ન બને તે માટે હડતાળ અને આંદોલનનાં માર્ગે ઉતરી પડ્યા છે. ત્યારબાદ ભારે હોબાળા બાદ દહેજ પોલીસકર્મીઓ તેમજ કોંગ્રેસ આગેવાન સુલેમાન પટેલની ઉપસ્થિતિમાં કંપની વહિવટદારોએ 10 દિવસમાં પગાર ચૂકવવાની બાહેંધરી આપી હતી.