ભારતમાં કોરોનાના કેસને લઈ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી રોજેરોજ નોંધાતા કોરોના સંક્રમિતની સંખ્યા 70 હજારથી નોંધાઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 63,371 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 895 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 73,70,469 થઈ ગઈ છે.
જ્યારે ભારતમાં કોવિડ-19 મહામારી સામે લડીને 64 લાખ 53 હજાર 780 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ દેશમાં 8,04,528 એક્ટિવ કેસ હોવાનું જાણવા મળ્યુ છે. તો દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,12,161 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. મહત્વનું છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 15 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 9,22,54,927 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જે પૈકી છેલ્લા 24 કલાકમાં 10,28,622 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.