આઝાદીની લડાઈ દરમિયાન ઘટેલી ચૌરી ચૌરાની ઐતિહાસિક ઘટનાના શતાબ્દી સમારોહની આજથી શરૂઆત થઈ છે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્બારા શતાબ્દી મહોત્સવના કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ દરમિયાન પીએમ મોદીએ એક પોસ્ટલ ટિકિટ પણ લોંચ કરી હતી.
પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે, દેશે ક્યારેય ચૌરી ચૌરાની ઘટના ના ભૂલવી જોઈએ. એ લોકોએ પોતાના પ્રાણની આહુતી આપી હતી. ચૌરી ચૌરામાં જે કંઈ ઘટ્યું તે માત્ર એક પોલીસ સ્ટેશનમાં લાગેલી આગની ઘટના નહોતી પરંતુ તેણે અંગ્રેજ હકુમતને એક આકરો સંદેશ આપ્યો હતો.
ચૌરી ચૌરા શતાબ્દી સમારોહના અવસરે સીએમ યોગી આદિત્યનાથે ગૃહ ક્ષેત્ર ગોરખપુરમાં શહીદ સ્મારક પર માળા અર્પણ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
શું છે ચૌરી ચોરાની ઘટના ?
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાની પાસે એક કસ્બો છે ચૌરી ચૌરા તરીકે ઓળખાય છે. અહીં 4 ફેબ્રુઆરી 1922ના રોજ ચૌરી ચૌરાના ભોપા માર્કેટમાં સત્યાગ્રહી એકત્રિત થયા. જ્યારે તેઓ શાંતિ માર્ચ કાઢી રહ્યા હતા ત્યારે બ્રિટિશ સરકારની એક પોલીસ ચોકીએ તેને ગેરકાયદેસર જાહેર કરી દીધી. ઘટના સ્થળ પર રહેલા એક પોલીસ કોન્સ્ટેબલે ગાંધી ટોપીને પગ વડે કચડી નાંખી.જેના કારણે સત્યાગ્રહી આક્રોશમાં આવી ગયા. ભારતીયોએ બ્રિટિશ સરકારની એક પોલીસ ચોકીને આગ લગાડી હતી. જેના કારણે ત્યાં છુપાયેલા ૨૨ પોલીસ કર્મચારીઓ જીવતા બળીને મૃત પામ્યા હતા. આ ઘટના ચૌરી ચૌરા કાંડ તરીકે ઓળખાય છે.