કોરોના મહામારીએ હાલ વિશ્વના અનેક દેશોને પોતાની ઝપેટમાં લીધા છે. છેલ્લા ઘણા મહિનાઓથી ફેલાયેલી આ મહામારીના કારણે લાખો લોકોના મોત નિપજ્યા છે. દુનિયા કોરોનાને સૌથી ભયાનક મહામારી ગણી રહી છે. તેવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા કરવામાં આવેલ દાવાએ સૌ કોઈના હોશ ઉડાવી દીધી છે.
ડબ્લ્યુએચઓના પ્રમાણે કોરોના વાયરસની મહામારી ‘સૌથી ભયાનક’ નથી અને તેનાથી વધુ ઘાતક વાયરસ દુનિયાને પોતાની ઝપેટમાં લઈ શકે છે. WHOના ઇમરજન્સી પ્રોગ્રામ હેડ ડોક્ટર માઇક રાયનનું કહેવુ છે કે આ મહામારીએ દુનિયાને નિંદરમાંથી જગાડવાનું કામ કર્યુ છે. કોરોના વાયરસે વિશ્વમાં 18 લાખથી વધુ લોકોના જીવ લીધા છે.
આ પહેલા સ્પેનિશ ફ્લૂને ભીષણ વૈશ્વિક મહામારી માનવામાં આવે છે જેમાં એક વર્ષની અંદર 5 કરોડ લોકોના મોત થયા હતા. ડો. રાયને મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, આ મહામારી ખુબ ગંભીર રહી અને ધરતીના દરેક ખુણા પર તેની અસર રહી પરંતુ જરૂરી નથી કે સૌથી મોટી હોય. તેમનું કહેવું છે કે આ જાગવાનો સમય છે. આપણે એક જટીલ વૈશ્વિક સમાજમાં રહીએ છીએ અને આગામી સમયમાં પણ આના કરતા ખતરનાક મહામારી જારી રહી શકે છે.