આણંદ કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ ગામોમાં લોકોને સરકારી આરોગ્ય સુવિધા પોતાના ગામ કે નજીકમાં મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. પરંતુ હજુ પણ મોટાભાગના ગામોમાં સરકારી સારવાર માટે 5 થી 10 કિમી દૂર જવાનો વખત આવે છે. આણંદજિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 52 પીએચસી કેન્દ્ર હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં 90 પેટા કેન્દ્ર શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જે તે પંચાયતના સ્થાનિક પ્રશ્ન અને જગ્યાનો અભાવ તેમજ આરોગ્ય વિભાગ ના બાંધકામ વિભાગ પાસે પુરતો સ્ટાફ નથી.જેના કારણે દરેક પેટા કેન્દ્ર બનાવી શકે તેમ ન હોવાથી હાલમાં જિલ્લામાં માત્ર 15 પેટા કેન્દ્ર કાર્યરત છે.
જયારે બાકીના 75 પેટા કેન્દ્રની કામગીરી ખોરંભે પડી છે.તેમજ આરોગ્ય વિભાગ જવાબદારી નક્કી થઈ શકી નથી જેના પગલે ઘણા પેટા કેન્દ્ર કામ શરૂ થયું નથી. આણંદ જિલ્લામાં 1 પીએચસી કેન્દ્ર દીઠ 10 થી 15 ગામો અને નાના પરાનો સમાવેશ કરવામાં આવેલો છે.જેમાં કેટલાંક ગામો તો પીએચસી કેન્દ્ર થી 7 થી 10 કિમી દૂર આવેલા છે. તેમજ પેટા કેન્દ્ર ન હોવાથી તેઓને સરકારી મફત સારવારનો લાભ મળતો નથી. ગામડાઓમાં પેટા કેન્દ્ર ન હોવાથી ગર્ભવતી મહિલા અને બાળકોને પોષણ યુકત આહાર સહિતની યોજનાનો લાભ સમયસર મળતો નથી. પરાં વિસ્તારમાંથી 8 કિમી દૂર જવા માટે કોઇ તૈયાર ન હોવાથી સારવારથી વંચિત રહી છે. જેને લઇને સરકારનો હેતું સર થતો નથી.