કોરોના વાઈરસનો રિપોર્ટ આવે તે પહેલાં જ ગાજરાવાડીની મહિલા કેળાની લારી લઇને વેચવા નીકળી પડતાં તંત્ર દ્વારા તેણે શોધવા માટે દોડધામ કરી મુકી હતી. જોકે, પોલીસ ટીમ અને આરોગ્ય વિભાગે મહિલાને શોધી કાઢી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી છે.
જોકે મકરપુરા નોવિનો સામેની પાંચથી વધુ સોસાયટીઓનાં લોકોએ આ મહિલા પાસેથી સામાન લીધું હતું. જેથી આ વિસ્તારમાં ક્વોરન્ટીનની કાર્યવાહી ચાલી રહી છે. મહત્વનુ છે કે, વડોદરામાં રોજરોજ નવા વિસ્તારોમાંથી કોરોના વાઈરસના કેસો સામે આવી રહ્યા છે. વડોદરામાં વધુ 7 કોરોના વાઇરસના કેસ સામે આવ્યા હતા.
જે પૈકી વાડી ગાજરાવાડી શિવનગરમાં રહેતા મંજુબહેન શંકરભાઇ ચુનારાનું પણ સેમ્પલ લેવામાં આવ્યું હતું. અને તેઓને જણાવવામાં આવ્યું હતું કે,રિપોર્ટ ન આવે ત્યાં સુધી ઘરની બહાર નીકળવું નહીં. જો તમે ઘરની બહાર નીકળશો, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજે સવાર સુધી મંજુબહેન ચુનારાને પોતાના રિપોર્ટ અંગેની કોઇ માહિતી ન મળતા તેઓ કેળાંની લારી લઇને કેળા વેચવા માટે નીકળી પડ્યા હતા.