શિક્ષણ મંત્રાલયે નવી સ્કૂલ બેગ નીતિ અંતર્ગત અનેક પ્રકારના ઉપાયોની જાહેરાત કરી છે. નવી નીતિમાં ધોરણ 1થી 10માં સુધી વિદ્યાર્થીઓના સ્કુલ બેગનું વજન તેના શરીરના વજનના 10 ટકાથી વધારે ન હોવું જોઈએ. આ રીતે હોમ વર્કનો પણ સમય સીમા પણ ધોરણ પ્રમાણે નક્કી કરવામાં આવી છે.
કેન્દ્રીય શિક્ષા મંત્રાલયના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નવા શૈક્ષણિક સત્રમાં આ નિર્ણયનો કડકાઈથી અમલ કરવાના નિર્દેશ આપ્યા છે. નવી નીતિ અંતર્ગત બીજા ધોરણ સુધી વિદ્યાર્થીઓને હોમવર્ક ન આપવામાં આવે. ધોરણ 3થી 6 માટે સાપ્તાહિક 2 કલાકનું હોમવર્ક, ધો.6થી 8 માટે પ્રતિદિન 1 કલાકનું હોમવર્ક અને ધોરણ 9થી 12 માટે વધુમાં વધું 2 કલાકનું હોમવર્ક મર્યાદિત હોવું જોઈએ.
બાળકોની બેગનું વજન ચેક કરવા માટે સ્કૂલોમાં વજન કાંટો રાખવામાં આવશે. તેમજ રોજનું બાળકોના બેગના વજન પર ધ્યાન રાખવામાં આવશે. પ્રકાશકોએ પુસ્તકોની પાછળ વજન છાપવાનું રહેશે. પહેલા ધોરણ માટે કુલ 3 પુસ્તકો હશે. જેનું વજન 1078 ગ્રામ રહેશે. 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે કુલ 6 પુસ્તકો રહેશે. જેનું વજન 4182 ગ્રામ સુધીનું રહેશે. સ્કુલમાં વિદ્યાર્થીઓની બેગમાં વજન 500 ગ્રામથી 3.5 કિલોગ્રામ રહેશે. જ્યારે નોટબુકનું વજન 200 ગ્રામથી 2.5 કિલોગ્રામ રહેશે. આમાં લંચ બોક્સ અને પાણીની બોટલનું વજન પણ સમાવિષ્ટ છે.