છેલ્લા ઘણા સમયથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયુ છે. તો પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને લઈ વિપક્ષ દ્વારા સરકાર પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે પેટ્રોલ-ડીઝલના ઝડપથી વધતા ભાવો પર રાજ્યસભામાં સવાલોના જવાબ આપ્યા.
મળતી માહિતી મુજબ, સમાજવાદી પાર્ટીના સાંસદ વિશંભર પ્રસાદ નિષાદે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજ્યસભામાં સવાલ પૂછ્યો હતો કે સીતામાતાની ધરતી નેપાળમાં પેટ્રોલ ડીઝલ સસ્તું છે. રાવણના દેશ શ્રીલંકામાં ભારત કરતા ઓછા ભાવ છે તો પછી રામના દેશમાં સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારે ઓછા કરશે? જેના જવાબમાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જવાબ આપતા કહ્યું કે ‘આમ કહેવું યોગ્ય નથી કે ઈંધણ ઓઈલના ભાવ અત્યારે સૌથી વધુ છે.
તેલના ભાવો પર પાડોશી દેશો સાથે સરખામણી પર તેમણે કહ્યું કે આ દેશોની સાથે ભારતની સરખામણી કરવી ખોટી છે. કારણ કે ત્યાં સમાજના કેટલાક જ લોકો તેનો ઉપયોગ કરે છે. કેરોસિનના ભાવમાં ભારત અને આ દેશોમાં ખુબ અંતર છે. બાંગ્લાદેશ અને નેપાળમાં કેરોસિન લગભગ 57 રૂપિયાથી 59 રૂપિયામાં મળે છે. જ્યારે ભારતમાં કેરોસિનની કિંમત 32 રૂપિયા પ્રતિ લીટર છે. ઓઈલના ભાવ ઓલ ટાઈમ હાઈ હોવા પર તેમણે કહ્યું કે આ ‘અસંગત’ છે.