ભારત સહિત વિશ્વભરમાં કોરોના મહામારીના કારણે હાહાકાર મચ્યો છે. કોરોના મહામારીના સમયમાં જનજીવનને પણ માઠી અસર થઈ છે તો આર્થિક ગતિવિધિ પણ ધીમી પડી છે. ત્યારે કોરોના મહામારી અને તેના પગલે ભારતમાં લગાવવામાં આવેલ લોકડાઉનથી કંપનીઓ દ્વારા વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરે બેઠા કામનું ચલણ શરુ કરવામાં આવ્યું હતું.
દેશમાં છેલ્લા ત્રણ મહિનાની વાત કરવામાં આવે તો રીમોટ જોબ્સ અને વર્ક ફ્રોમ હોમનું ચલણ ખૂબ જ વધ્યુ છે અને તેમાં ત્રણ ગણો ઉછાળો નોંધાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. અગ્રણી જોબ પોર્ટલ નોકરી ડોટ કોમના એક અહેવાલ મુજબ રિમોટ જોબ્સના હાયરીંગમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે અને ચાલુ વર્ષે પ્રિ-કોવિડના સ્તર પૂર્વે તેમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે.
અહેવાલ મુજબ ઘણા કર્મચારીઓ રિમોટ વર્કિંગ દ્વારા તેનો આનંદ ઉઠાવી રહ્યા છે અને આ રીતે પોતાના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન રાખીને નોકરીએ જવાનો સમય બચાવી રહ્યા છે. તેના પરિણામે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન પ્રિ-કોવિડ સમયની સરખામણીએ વર્કફ્રોમ હોમ જોબ્સમાં વૃદ્ધિ થઈ છે. વૈશ્વિક રોગચાળાના લીધે વર્ક-ફ્રોમ-હોમ જોબનો ફાળો પણ 2019ની સરખામણીમાં વર્ષ 2020માં ચાર ગણો વધ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
નોકરી ડોટ કોમ પ્લેટફોર્મ પર વર્ક ફ્રોમ હોમ જેવો કીવર્ડ નોકરી શોધતા ઉમેદવારો દ્વારા સૌથી વધુ સર્ચ થયેલા કી વર્ડમાંનો એક હતો. અડધા ઉપરાંતની રિમોટ જોબ બીપીઓ કે આઇટીઇએસ સેક્ટરની છે અને તેના પરિણામે ડબલ્યુએફએચ જોબ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આઇટી-સોફ્ટવેર, એજ્યુકેશન-ટીચિંગ અને ઇન્ટરનેટ-ઇ-કોમર્સે વર્ક-ફ્રોમ હોમ જોબ્સમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.