રાજ્યમાં તાતેજરમાં જ યોજાયેલા બજેટના અભિભાષણમાં નાણા મંત્રી નીતિન પટેલે બે લાખ સરકારી નોકરી અને 20 લાખ ઇતર નોકરીની તકો પુરી પાડવાનું જણાવ્યું હતું. સરકાર દ્વારા સરકારી ભરતી કરવાના અને લાખો લોકોને નોકરી આપવાના વાયદા કરવામાં આવે છે તે હકિકતથી વિપરીત છે.
નોકરી અને બેરોજગારી મુદ્દે આંદોલનનો સામનો કરી રહી રહેલી ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમા ખૂબ જ ઓછી સરકારી નોકરી આપી છે. આ અમે નહીં પરંતુ સરકારના આંકડા કહી રહ્યા છે.
આજે વિધાનસભાના બજેટ સત્રમાં આ આંકડાઓ રજૂ થયા હતા. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં 3,92,418 શિક્ષિત બેરોજગાર અને 20,566 અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ 4,12,985 બેરોજગારો નોંધાયેલા છે.
સરકાર દ્વારા લાખો લોકોને નોકરી આપવાના ઠાલા વાયદાઓ કરવામાં આવે છે પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા બે વર્ષમાંમાં માત્ર 1,777 બેરોજગારોને માત્ર સરકારી નોકરી આપવામાં આવી છે. આંકડાઓને જોતા સરકારના સરકારી કેલેન્ડર મુજબની ભરતીના અને સરકારી નોકરી આપવાના દાવાઓ પોકળ ઊભા થયા છે. સરકાર સામે યુવાનોએ અનેક આંદોલનો કર્યા છે.