વડોદરા શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ ઉપર તીવ્ર દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. આ ઘટના પાછળ મૃત માછલીઓના હાડપિંજર ભરેલા થેલા મળી આવતાં તંત્રની બેદરકારી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરમાં છાશવારે તંત્રની બેદરકારીના કારણે નગરજનોને હાલાકી ભોગવવાનો વખત આવે છે. તેના અનેક કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે. થોડા સમય અગાઉ શહેરના સમા તળાવ ખાતે જંગલી વનસ્પતિનો કચરો ઊર્મિ શાળાના બ્રિજ નજીક આવતા વિવાદ સર્જાયો હતો. અને સ્થાનિક લોકો તથા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો હતો. તેવામાં ફરી આ જ પ્રકારે એક કિસ્સો સામે આવ્યો છે.
શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ પાસે છેલ્લા કેટલાક દિવસથી દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન થયા હતા. આ અંગે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તાજેતરમાં સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા હતા અને તંત્ર દ્વારા મૃત માછલીઓ બહાર કાઢવામાં આવી હતી. જે મૃત માછલીઓ ભરેલા કોથળા અકોટા દાંડિયાબજાર બ્રિજ સોલાર પેનલ નજીક તેમજ કૃત્રિમ તળાવ નજીક વિશ્વામિત્રી નદીના કિનારે ઠાલવી દેવાતા પરિસ્થિતિ વકરી છે. સ્થળ પરથી અંદાજે 100 જેટલા થેલામાં મૃત માછલીઓના હાડપિંજર મળી આવ્યા છે. પરિણામે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે તટસ્થ તપાસ કરી પગલાં ભરવા માંગણી કરી છે.