ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીના કારણે કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસોના આંકડા વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે.તેમજ મુખ્યમંત્રીએ પણ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ તેમજ ટેલિફોનિક વાતચીતનો દોર વધારી દીધો છે.
રાજ્યમાં 24 કલાકમાં એક સાથે નવા 46 કેસ સામે આવ્યા છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, હોટસ્પોટ વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને ચકાસણી અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં હોવાથી પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં 46 નવા કેસ નોંધાયા છે અને 2ના મૃત્યુ થયા છે જ્યારે 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 308 થયા છે અને કુલ મૃત્યાંક 19 થયો છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા હજુ વધશે. ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં અમદાવાદમાં નવા 11 કેસ, વડોદરામાં 17, રાજકોટમાં 5, ભાવનગરમાં 4, પાટણમાં 2, કચ્છમાં 2 અને ગાંધીનગરમાં એક નવો કેસ નોંધાયો છે. અમદાવાદમા આરોગ્ય વિભાગના એક ડૉક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું છે.
આ ઉપરાંતઅમદાવાદ, ભાવનગર, સુરત અને વડોદરા, છોટાઉદેપુર પછી ભરૂચમાં પણ નિઝામુદ્દીન જમાતના કનેક્શન ધરાવતા ચાર એક સાથે પોઝિટિવ કેસ મળતા હડકંપ મચી ગયો છે. બહુધા લઘુમતી વસતિવાળા આ જિલ્લાના ગામોમાં તબલિગીની આવનજાવનના સંકેતોને પગલે શરૂ થયેલા સર્વેલન્સમાં આ કેસ મળ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામમાં 4 પોઝિટિવ કેસને સત્તાવાર સમર્થન મળ્યું છે. આમ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 308 થયો છે.