દેશના રાજધાની નવી દિલ્હી સ્થિત ઇઝરાયેલ દૂતાવાસ બહાર શુક્રવારે સાંજે થયેલા બ્લાસ્ટની જવાબદારી એક આતંકી સંગઠને લીધી છે. જૈશ ઉલ હિન્દ નામના આતંકી સંગઠને ઇઝરાયેલ દૂતાવાસ બહાર થયેલા બ્લાસ્ટની જવાબદારી લીધી છે. કથિત રીતે મેસેજિંગ એપ ટેલીગ્રામના મેસેજ મારફતે આ વાતની પુષ્ટિ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, તપાસ એજન્સીઓને આ દાવાને લઈને આશંકા છે.
મહત્વનું છે કે, દિલ્હીમાં ઈઝરાયેલ દૂતાવાસ પાસે ગત સાંજે આઈઈડી બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટના અહેવાલ સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. વિસ્ફોટ રસ્તાની નજીક જ થયો હતો જેના કારણે ચારથી પાંચ કારોને નુકસાન પહોંચ્યું હતું.
દિલ્હીના લૂટિયન્સ ઝોન વિસ્તારમાં આવેલ ઈઝરાયેલ દૂતાવાસ પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. દિલ્હી પોલીસને બ્લાસ્ટનો કોલ મળતા જ પોલીસની સ્પેશિયલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. આ વિસ્ફોટમાં કોઈ આતંકી સંગઠનનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી હતી. ત્યારે જૈશ ઉલ હિન્દ નામના આતંકી સંગઠને આ બ્લાસ્ટની જવાબદારી લીધી છે. જોકે હાલ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ ઊંડી તપાસ કરી રહી છે.