આયુર્વેદિક ડોકટરોને આંખ, નાક , કાન અને ગળા સહિત 58 પ્રકારની સર્જરી માટે નિર્ણયનો વિવાદ ચાલી રહ્યો છે જેની વચ્ચે હવે ઈન્ટર્ન ડોકટરોએ હવે સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવા માટે માંગણી કરી છે. જોકે પોતાની માંગ હજી સુધી ન સંતોષાતા રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કોલેજના ઈન્ટર્ન તબીબોએ હડતાળની જાહેરાત કરી છે. ઈન્ટર્ન તબીબો 14 ડિસેમ્બરથી એટલે કે આવતીકાલથી હડતાળ પર ઉતરશે.
ઈન્ટર્ન તબીબો સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે હડતાળ પાડી વિરોધ નોંધાવશે. મળતી માહિતી મુજબ, રાજ્યના સરકારી હૉસ્પિટલના ઈન્ટર્ન ડોકટર્સે હવે નારાજગી વ્યક્ત કરી છે. તેઓ છેલ્લા માર્ચ મહિનાથી કોવિડ ડ્યુટીમાં લાગેલા છે.
અન્ય રાજ્યો કરતા ગુજરાતની સરકરી મેડિકલ કોલેજમાં MBBS ઈન્ટર્નનું સ્ટાઈપેન્ડ ઓછું હોવા મામલે ડોકટર્સે 14 ડિસેમ્બરથી કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. કોરોના સમયગાળામાં અન્ય રાજ્ય કરતા ઓછું વેતન ગુજરાત સરકાર ડોકટરોને આપી રહ્યું છે તેવો આક્ષેપ ઈન્ટર્ન ડોકટરોએ મુક્યો છે. ત્યારે રાજ્યના તમામ ઈન્ટર્ન તબીબોએ 13 હજારથી વધારી 20 હજાર સ્ટાઈપેન્ડ વધારવાની માંગ કરી છે અને આ માંગ સાથે આવતીકાલ સોમવારથી તમામ સરકારી, GMERS અને કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ ઇન્ટર્ન ડોકટરો હડતાળ પર ઉતરશે.