ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે જેને લઈને અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં આજથી આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલની હવામાન વિભાગે આગાહી કરી છે.
મળતી માહિતી મુજબ, નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાં આગેકૂચ જારી રાખી છે અને હવે તેણે દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો છે. હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, ‘ગુજરાતમાં ચોમાસુ વધુ સક્રિય બન્યું છે. નૈઋત્યના ચોમાસાએ દીવ અને ઉત્તર અરેબિયન સમુદ્રના કેટલાક હિસ્સામાં પ્રવેશ કર્યો છે.
મહત્વનું છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, સુરત, નવસારી, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદન આગાહી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, 19 તારીખથી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે.