હવામાન વિભાગે ચક્રવાતના કારણે રાજ્યમાં આગામી સાત દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે આજે અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. નવસારી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.
રાત્રે બેથી સવારે 6 વાગ્યા સુધીમાં નવસારી, જલાલપોર, ચીખલી, ગણદેવી તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે. દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન બનાસકાંઠાના ડીસા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. જ્યારે કંડલા એરપોર્ટ અને વલ્લભવિદ્યાનગરમાં 41 ડિગ્રી, અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીમાં 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સિવાયના તમામ જિલ્લા અને શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઓછું રહ્યું હતું.