છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોનાનું સંક્રમણ ઘટતું હોય તેવુ લાગી રહ્યુ છે. કોરોનાના સંક્રમણને ફેલાવામાં ભારતમાં ઘણા અંશે અંકુશ લાગી રહ્યો હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. દેશમાં સંક્રમણના કેસો હવે 50 હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે જે આંશિક રાહતની વાત કહી શકાય. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 50,129 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ ઉપરાંત કોરોનાના કારણે 578 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 78,64,811 થઈ ગઈ છે. આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 70 લાખ 78 હજાર 123 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 6,68,154 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,18,534 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 24 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 10,25,23,469 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જે પૈકી શનિવારના 24 કલાકમાં 11,40,905 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.