કોરોના વાયરસના કારણે છેલ્લા કેટલાક મહિનાથી બંધ કેવડીયા નજીક સરદાર સરોવર ખાતે આવેલું ‘સ્ટેચ્યું ઓફ યુનિટી’ પરિસર 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. કોરોના વાયરસના સંક્રમણને જોતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત રાખવામાં આવશે. જે મુજબ દરરોજ 2500 પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે.આ સાથે જ 500 પ્રવાસીઓને જ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે.
મળતી માહિતી અનુસાર આશરે છ મહિના કરતા વધુ સમયથી બંધ સ્ટેચ્યુ ઓફ યુનિટીને હવે પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવનાર છે. સરદાર સરોવર નર્મદા નિગમના સત્તાવાળા તરફથી લેવાયેલ નિર્ણય પ્રમાણે હાલ શરૂઆતમાં પ્રતિદિન 2500 પ્રવાસીઓને પ્રવેશ આપવાની યોજના છે, જે પૈકી માત્ર 500ને વ્યુએંગ ગેલેરીમાં જવા દેવાશે.
કોવિડ 19માં અનલોક 5ની ગાઇડલાઇન અનુરૂપ વર્તણૂક માટે સરકારે બહાર પાડેલી તમામ સૂચના અને સાવચેતીનું ચુસ્ત પાલન કરવાની તજવીજ સ્ટેચ્યું ઓફ યુનિટી પરિસર ખાતે હાથ ધરવામાં આવી છે. તેમજ દરેક મુલાકાતી માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું છે. તો થર્મલ સ્ક્રિનીંગ, સેનિટાઈઝેશન, સેનિટાઇઝર મશીન, ચિન્હિત જગ્યાઓ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.