શુક્રવારના રોજ દૂબઇથી કાલિકટ આવી રહેલા એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ વિમાનમાં ૧૯૧ યાત્રિકો મુસાફરી કરી રહયા હતા. આ દુર્ઘટનામાં બે પાયલટ સહિત 18 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજી ઘણા મુસાફરોની હાલત ગંભીર છે જેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
(File Pic)
પ્રાપ્ત માહિતી મુજબ, કોઝિકોડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન રનવે નંબર ૧૦ પરથી લેન્ડિંગ દરમિયાન રન-વેની બહાર ફેંકાઇ જતા દુર્ધટના સર્જાઇ હતી. આ પ્લેન આઇએકસ 1344 દુબઇથી સાંજે ૪.૪૫ વાગે ભારત આવવા રવાના થયું હતું, પ્લેનમાં મોટાભાગના યાત્રિકો મોટી ઉંમરના હતા. આ ઉપરાંત બે પાયલટ, પાંચ ક્રુ મેમ્બરનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટના વિમાન ‘ટેબલ ટોપ’ રન વે પર સ્લિપ થતા સર્જાઈ હતી, જેમાં વિમાનના બે ટુકડા થયા હતા. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ કેરલનું કોઝિકોડ એરપોર્ટ ભૌગોલિક રીતે ટેબલ ટોપ છે. જેનો અર્થ થાય છે કે, હવાઈ પટ્ટીની આસપાસ ખાડીઓ હોય. એટલા માટે જ્યારે પણ વિમાન દુર્ઘટના થાય તેવા સમયે વિમાન ખાડીમાં જઈને પડે છે. ટેબલ ટોપમાં જ્યાં રન વે ખતમ થાય છે, ત્યાં પછી આગળ જગ્યા હોતી નથી. એટલા માટે આવા રન વે પર હંમેશા સિનિયર પાયલોટની જરૂર પડે છે.
(File Pic)
મહત્વનું છે કે, મેંગલુરૂમાં ટેબલ ટોપ હોવાથી રન વે પર આ પ્રકારની દુર્ઘટના થઈ હતી. આ વિમાન દુર્ઘટના બાદ ડીજીસીએના અધિકારી અરુણ કુમારે જણાવ્યુ હતું કે, વિમાન યોગ્ય રીતે લેન્ડ થઈ શક્યુ નહોતું. ભારે વરસાદના કારણે વિમાન રન વે પરથી 35 ફૂટ ઉંડી ખાડીમાં જઈને પડ્યુ હતું.