રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઇને છેલ્લા કેટલાક સમયગાળાથી અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે ભાજપ હાઇકમાન્ડે નવસારીના સાંસદ અને ભાજપના પીઢનેતા સી.આર.પાટીલને ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમ્યા છે.
(જીતુ વાઘાણી)
આપને જણાવી દઇએ કે, ભાજપના પીઢ નેતા અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી ભાજપે ગુજરાત માટે નવા પ્રદેશ પ્રમુખની શોધ માટે અભિયાન હાથ ધર્યું હતું.
(સી.આર.પાટિલ)
ત્યારે હવે ભાજપ હાઇકમાન્ડે સત્તાવાર રીતે નવસારીના સાંસદ સી.આર.પાટિલને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે.
જાણો કોણ છે સીઆર પાટિલ
મહત્વનું છે કે, એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે સી.આર.પાટીલનો જન્મ થયો હતો. તેમણે શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની આઈટીઆઇમાં અભ્યાસ કર્યો હતો. જોકે વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોમાંથી પ્રેરણા લઈ તેઓ ગુજરાત પોલીસમાં જોડાયા હતા. 1988 સુધી ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર સી. આર. પાટીલે પોલીસમાંથી રાજીનામું આપીને બીજા વર્ષે પત્નીના નામે ડાઈંગ મિલ શરૂ કરી હતી.
(File Pic)
પાટીલ એ અમિત શાહ અને નરેન્દ્ર મોદીના અંગત વિશ્વાસું પણ માનવામાં આવે છે. સતત અને સખત પરિશ્રમ થકી આજે નવસારી લોકસભા વિસ્તારમાંથી બીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો.