જાપાનના ગ્રામીણ વિસ્તારોમાં લોકો અત્યારે કોરોના વાયરસથી પણ વધારે જંગલી રીંછોથી વધુ ભયભીત છે. અહીં છેલ્લા 6 મહિનામાં રીંછોના 13 હજાર જેટલા હુમલાની ઘટના બની છે, જે છેલ્લા પાંચ વર્ષોમાં સૌથી વધુ છે. સપ્ટેમ્બરથી અત્યાર સુધી 65 લોકોના રીંછોના હુમલામાં મોત નિપજ્યુ છે.
રીંછો હવે જંગલ છોડીને ગામડા તરફ આવીને ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ શહેરો તરફ પણ આવી રહ્યા છે. જોકે આખરે પરેશાન ખેડૂતોએ રીંછોથી બચવાનો અનોખો કીમિયો અજમાવ્યો છે. તેમણે રીંછોને ભગાડવા રોબોટિક વરુનો ઉપયોગ શરૂ કર્યો છે. સેન્સરથી સજ્જ આ રોબોટિક વરુ હરતું-ફરતું નથી, પરંતુ તેના ઘુરકિયા, ડરામણી લાલ આંખો અને ખુલ્લા જડબા જોઈને રીંછો ભાગી જાય છે.
આ રોબોટિક વરુ દોઢ મીટર લાંબા અને એક મીટર ઊંચા છે. આ રોબોટને અસલી હિંસક જાનવરનો લુક આપવા માટે તેના પર જંગલી જાનવર જેવું ચામડું પણ લગાવાયું છે. એટલુ જ નહીં આ રોબોટિક વરુ સૌર ઊર્જાથી ચાલે છે અને ત્યારે જ પ્રતિક્રિયા આપે છે, જ્યારે સેન્સર એરિયામાં કોઈ હલચલ થાય. તેના પરીક્ષણ વખતે વિજ્ઞાનીઓએ તેની પીઠ પર પણ કેમેરા લગાવ્યો હતો. તેના રેકોર્ડિંગમાં જોવા મળ્યું હતું કે, આ વરુને જોઈને રીંછો પણ ભાગે છે.
આપને જણાવી દઈએ કે, 1915થી જાપાનમાં રીંછોનો શિકાર બંધ છે. હાલ જાપાનમાં આશરે 15થી 20 હજાર જેટલા રીંછ વસવાટ કરી રહ્યા છે. જંગલોમાં રીંછોને ભોજન નથી મળતું. આ સ્થિતિમાં તેઓ કેવી રીતે જીવી શકે. જેથી હુમલાઓ પણ વધી રહ્યા છે.