રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ શુક્રવારે મહત્વના વ્યાજદરમાં કોઈ જ બદલાવ નહીં કરતા તેને યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈના આ નિર્ણયની સાથે જ હોમ લોન, ઓટો લોન સહિતનું ધિરાણ લેનારા ગ્રાહકોને વધુ વ્યાજ નહીં ચુકવવું પડે અને વર્તમાન દર યથાવત્ રહેશે.
આરબીઆઈએ ધિરાણ નીતિમાં અનુકૂળ વલણ અપનાવતા પ્રમુખ વ્યાજદર રેપોરેટ 4 ટકા તેમજ રિવોર્સ રેપોરેટ 3.35 ટકા જાળવી રાખ્યા છે. આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ આ અંગેની જાણકારી આપી હતી.
તેમણે જણાવ્યુ હતું કે, રેપોરેટ અને રિવર્સ રેપોરેટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. મોનેટરી પોલિસી બેઠકમાં આર્થિક વૃદ્ધિને આગળ ધપાવવા માટે અનુકુળ વલણ અપનાવાયું હતું. મધ્યસ્થ બેન્કે માર્ચ 2020થી અત્યાર સુધીમાં રેપોરેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો છે. મહત્વનું છે કે, રિઝર્વ બેન્કે સળંગ ચોથી વખત વ્યાજ દરમાં કોઈ જ બદલાવ નથી કર્યો. છેલ્લે 22 મેએ આરબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો અને ઐતિહાસિક નીચી સપાટીએ જાહેર કરાયા હતા. એમપીસીની 27મી બેઠકમાં ત્રણ બાહ્ય સભ્યો આશિમા ગોયલ, જયંત આર વર્મા અને શશાંક ભીડે ઉપસ્થિત રહ્યા હતા.