સામાન્ય રીતે વડાપ્રધાન પદની ખુરશી પર બેસવા માટે ફાંફા મારતા હોય છે. આ માટે તેઓ ઘણી મહેનત પણ કરતા હોય છે તો પછી કેટલાક નેતાઓ શામ-દામ-દંડ-ભેદની નીતિ પણ અપનાવતા હોય છે. ત્યારે બ્રિટેનના વડાપ્રધાનને આ ખુરશી છોડવી છે. જોકે આ પાછળનું કારણ તેમને મળતો પગાર છે. બ્રિટેનના હાલના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને એ વાતનું દુ:ખ છે કે તેમની પહેલાના પ્રધાનમંત્રીઓ તેમના કરતાં વધુ આવક ધરાવતા હતા.
કોઈને પણ આ વાત જાણીને આશ્ચર્ય સહ આઘાતની લાગણી થશે કે બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન તેમની ઓછી વાર્ષિક આવકને લીધે આગામી 6 મહિના બાદ તેમના પદ પરથી રાજીનામું આપવાનો વિચાર કરી રહ્યા છે. તેમના એક સાંસદે જણાવ્યું હતું કે બોરિસના 6 સંતાનો છે, જેમાંથી અમુક તો યુવાન થવા આવ્યા છે અને તેમના ખર્ચ માટે તેમણે આર્થિક સહાયતા આપવી પડી રહી છે. આ વાતને લઈને બ્રિટિશ મીડિયામાં વહેતા એક સમાચાર મુજબ બ્રિટિશ વડાપ્રધાન ને હાલમાં વાર્ષિક 150,042 પાઉન્ડનો પગાર આપવામાં આવે છે જે ભારતીય રૂપિયામાં વાર્ષિક 1.43 કરોડ રૂપિયાની સમકક્ષ થાય છે.
આટલા ઓછા પગારમાં તેમનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ છે અને તેઓ એવું વિચારી રહ્યા છે કે આનાથી બે ગણું તો તેઓ કૉલમ લખીને કમાઈ લેતા હતા. હાલમાં તેઓ બ્રેક્ઝિટ અને કોરોના મહામારીને પહેલા હેન્ડલ કરવા ધારે છે જો કે તેમને આ વાતનું દુઃખ છે કે તેમની પહેલાના વડાપ્રધાન તેમના કરતા વધુ આવક ધરાવતા હતાં.
મહત્વનું છે કે, બોરિસ જહોન્સન રાજીનામુ આપી શકે છે તેવા અહેવાલ સામે આવતા જ આગામી બ્રિટીશ વડાપ્રધાન પદના ઉમેદવારો કોણ હશે તેને લઈ ચર્ચા શરુ થઈ ગઈ છે. જેમાં હાલમાં નાણા મંત્રી ઋષિ સુનક, વિદેશ મંત્રી ડોમિનિક રાબ, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી જેરેમી હંટ, કેબિનેટ મંત્રી મિશેલ ગોવ વગેરેના નામો સામેલ છે.