અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે શહેરીજનોનો જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. મળતી માહિતી મુજબ, કોર્પોરેશનના સત્તાવાળાઓ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ગોલ્ડન ટેસ્ટ તરીકે ઓળખાતા RT-PCR ના બદલે રેપિડ એન્ટીજન ટેસ્ટને વધુ મહત્ત્વ આપીને શહેરીજનોના જીવ પર જોખમ વધારી રહ્યા છે.
આમ, એવુ કહેવું પણ કંઈ ખોટુ નહીં હોય કે આ રીતે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર કોરોનાના આંકડા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેમ કે રેપિડ એન્ટીજન ટેસ્ટ કોરોના વાઇરસને ઓળખવાના મામલે ભરોસાપાત્ર નથી. અનેક કોરોના દર્દી આ ટેસ્ટમાં નેગેટિવ આવીને છટકી રહ્યા છે. આવા દર્દી પછી કોરોના સુપરસ્પ્રેડર બનીને અમદાવાદમાં કોરોનાનો ચેપ ફેલાવી રહ્યા છે એટલે અમદાવાદમાં ગમે ત્યારે દિલ્હીની જેમ ‘કોરોના બ્લાસ્ટ’ થવાની પૂરેપૂરી શક્યતા છે.
હેલ્થ વિભાગના સત્તાવાળાઓ પોતે દરરોજ જાહેર થતા ૧પ૦ કેસથી ત્રણ ગણાથી વધુ કેસને લોકોથી સંતાડીને કોરોનાને વધુ વકરાવી રહ્યા છે. જે પ્રકારે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવતા દર્દીઓનો મામલો છે તો તેમાં તંત્ર ભેદી રમત રમી રહ્યું છે. દરરોજના રપ,૦૦૦ જેટલા રેપિડ એન્ટીજન ટેસ્ટમાં જો માત્ર બે ટકા પોઝિટિવ કેસ આવે તો પણ રોજના પ૦૦ કેસ થાય, પરંતુ મ્યુનિ. હેલ્થ વિભાગની સરકારી યાદીમાંથી હરહંમેશ નવા કેસ તરીકે એન્ટીજનના પોઝિટિવ દર્દીનો આંકડો ‘અદૃશ્ય’ કરાઇ રહ્યો છે. આ બાબત પણ લોકો માટે જોખમી છે. એક તરફ કોરોના પોઝિટીવ પણ આંકડાઓમાં નેગેટિવ આવી રહ્યા છે. એએમસી તંત્રએ સત્તાવાર કોરોના કેસના આંકડા જાહેર કર્યા નથી પરંતુ એએમસીના જ અર્બન હેલ્થ સેન્ટરમાં નોધાયેલ આંકડા પ્રસિદ્ધ કરાયા છે. હજુ પણ સત્તાવાર એએમસી આ આંકડાઓ અંગે મૌન સેવી રહ્યું છે..