દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. એવામાં મંગળવારે 24 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થશે.
માનવામાં આવી રહ્યું છે કે, પ્રથમ તબક્કામાં સવારે 10 વાગ્યે એવા 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લેશે, જ્યાં કોરોનાનો કહેર સૌથી વધુ છે. જે બાદ બપોરે 12 વાગ્યા બાદ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ PM મોદી સાથે થનારી બેઠકમાં ભાગ લેશે.
પીએમ મોદી સાથે યોજાનારી રાજ્યોના મુખ્યમંત્રીઓની આ બેઠકમાં કોરોનાની હાલની સ્થિતિની સમીક્ષા અને વેક્સીન વિતરણની રણનીતિને લઈને ચર્ચા થશે. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી કોરોનાની સ્થિતિની સમિક્ષા કરવા માટે અત્યાર સુધીમાં ઘણીવાર રાજ્યો સાથે બેઠક કરી ચુક્યા છે. કેન્દ્ર તરફથી સતત એવો પ્રયાસ થઈ રહ્યો છે કે જ્યારે પણ કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થશે તેના સુચારુ વિતરણની વ્યવસ્થા થઈ શકે. ભારતમાં હાલ પાંચ વેક્સિન તૈયાર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમાંથી ચાર પરિક્ષણના બીજા કે ત્રીજા તબક્કામાં છે જ્યારે એક પહેલાં કે બીજા તબક્કામાં છે.