ચાલીસ દિવસથી દિલ્હીની સરહદો પર નવા કૃષિ કાયદાઓને ખતમ કરવાની માંગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે સોમવારે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી, પરંતુ સાતમાં સ્તરની આ બેઠક પણ પરિણામ વિહીન ખતમ થઇ હતી. બંને પક્ષોએ આ મુદ્દે આગામી બેઠક 8 જાન્યુઆરીએ યોજવા પર સંમતિ બની હતી. મળતી માહિતી મુજબ નવા કૃષિ કાયદાઓને લઈને ખેડૂતો અને સરકાર વચ્ચે સોમવારે ચાલી રહેલી બેઠક ખતમ થઈ ચૂકી છે.
ગત વખતની જેમ આ વખતે પણ સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીતનું કોઈ પરિણામ નીકળ્યું નથી અને હવે આગામી બેઠક 8 જાન્યુઆરીના રોજ થવાની છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની બોર્ડરે પ્રદર્શન કરી રહેલાં ખેડૂતો વરસાદ અને ઠંડીની માર સહન કરી રહ્યા છે અને તેના કારણે અનેક ખેડૂતોનાં પણ મોત નિપજ્યા છે. તેવામાં સોમવારે મળેલી બેઠકમાં પણ કોઈ પરિણામ ન નીકળતા કડકડતી ઠંડી વચ્ચે પણ આગામી સમયમાં ખેડૂત આંદોલન ચાલુ જ રહેશે.
સોમવારે યોજાયેલી આ બેઠકમાં ખેડૂત આગેવાનો ત્રણ નવા કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ પર અડગ રહ્યા હતા, તો સામે કેન્દ્ર સરકારે પણ કાયદાઓ રદ ન કરી એમાં સુધારાની તૈયારીઓ બતાવી હતી.