ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 77 લાખને પાર પહોંચી ગઈ છે. જો કે રાહતની વાત એ છે કે, તેમાંથી 68 લાખ 74 હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે અને એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 7 લાખ 15 હજાર પર આવી ગઈ છે.
અત્યાર સુધી એક લાખ 16 હજાર 616 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 55,838 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 702 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 77,06,946 થઈ ગઈ છે.
દેશમાં સક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની તુલનામાં રિકવર થયેલા લોકોની સંખ્યા 8 ગણી વધારે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ, મૃત્યુ દર અને રિકવરી રેટની ટકાવારી સૌથી વધારે છે. ICMR અનુસાર, 21 ઓક્ટોબર સુધી કોરોના વાયરસના કુલ 9 કરોડ 86 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂકયા છે, તેમાંથી 14.69 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે બુધવારે કરવામાં આવ્યું હતું