ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે મોટાભાગના તહેવારોની ઉજવણી પર ગ્રહણ લાગ્યુ છે. તેમજ જાહેરમાં આ તહેવારોની ઉજવણી પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે હવે આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે પર્યાવરણના હિતને જોતા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) 7થી 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલ દ્વારા વાયુ પ્રદૂષણના મુદ્દે મોદી સરકાર, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ને આ અંગે કેટલાક પ્રશ્ન પુછવામાં આવ્યા છે. એનજીટીએ વન અને પર્યાવરણ મંત્રાલય તેમજ સીપીસીબીને પ્રશ્ન પૂછ્યો છે કે શું જનવ્યવસ્થા અને પર્યાવરણના હિતમાં 7થી 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગુ કરવો જોઈએ કે નહીં? જોકે એનજીટીએ પ્રતિબંધ માત્ર દિલ્હી-એનસીઆરમાં લાદવા રજૂઆત કરી છે.
દર વર્ષે દિવાળી પર ધમાકેદાર આતશબાજી થતી હોય છે અને તેને પગલે વાયુ પ્રદૂષણમાં વધારો થતો હોય છે. એનજીટી પ્રમુખ જસ્ટિસ એકે ગોયલની અધ્યક્ષતા હેઠળની બેન્ચે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય, સીપીસીબી, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ, દિલ્હી પોલીસ કમિશ્નર ઉપરાંત દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સરકાર પાસે જવાબ માંગ્યો છે.