હાલ દેશભરમાં માં આદ્યાશક્તિના પવિત્ર પર્વ નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તો આદ્યશક્તિ દેવીમાની આરાધના કરી રહ્યા છે. દેવીમાને ખુશ કરવા માટે ઉપવાસથી લઈને અલગ અલગ આરાધનાઓ કરી રહ્યા છે. પરંતુ અંધશ્રદ્ધાની આડમાં ઘણા લોકો નવરાત્રીના આ સમયમાં દેવીમાને ખુશ કરવા માટે બલી ચઢાવતા હોય છે.
ત્યારે મધ્યપ્રદેશના પન્નામાં દેવીમાને ખુશ કરવા માટે એક માતાએ પોતાના પુત્રની બલી ચઢાવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધાના પગલે માતાએ પોતાના પુત્રનું કુહાડી વડે ગળું કાપીને નિર્મમ હત્યા કરી દીધી હતી. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા જેમણે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપી માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા મુજબ, મહિલાને પાંચ વર્ષથી દેવીનો પવન આવી રહ્યો હતો. તે બલી આપવાની વાત કરતી હતી. જેના પગલે રાત્રે ઊંઘતા તેના પુત્રની તેણે કુહાડી વડે હત્યા કરી દીધી હતી. તે ક્યારેક પોતાને દેવી તો ક્યારેક સંન્યાસી ગણાવતી હતી.