ગ્રાહકોના હિતની રક્ષા કરવા માટે હવે મોદી સરકારએ પોતાની કમર કસી લીધી છે. અવાર નવાર ગ્રાહકો સાથે નવી-નવી રીત વડે છેતરપિંડીના કેસ પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર એક નવો કાયદો લાગૂ કરવાની છે. આ માટે કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-2019 ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ થવા જઈ રહ્યો છે.
(File Pic)
મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યૂમર અફેર્સ, ફુડ એન્ડ ડિસ્ટ્રીબ્યૂશનના સૂત્રોનું માનીએ તો 20 જુલાઈ 2020 કે આગામી સપ્તાહના કોઈ પણ દિવસે આ એક્ટ લાગુ થવા જઈ રહ્યો છે. નવો કાયદો કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-1986નું સ્થાન લેશે. મોદી સરકારએ આ એક્ટમાં અનેક ફેરફાર કર્યા છે.
(File Pic)
કન્ઝ્યૂમર અફેર્સ મંત્રી રામ વિલાસ પાસવાનએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ-2019ના નિયમોનો મુસદ્દો તૈયાર થઈ ચૂક્યો છે. પીએમ મોદીના દિશા-નિર્દેશોમાં એક એવો કાયદો બન્યો છે, જેને લાગુ કર્યા બાદ આગામી 50 વર્ષ સુધી દેશમાં કોઈ નવા કાયદાની જરૂર નહીં પડે.
આપને જણાવી દઈએ કે, પહેલા આ નવા કાયદાને જાન્યુઆરી મહિનામાં લાગુ કરવાનો હતો, પરંતુ કોઈ કારણસર લાગુ નહોતો કરી શકાયો. પછી તારીખ લંબાવીને માર્ચ મહિનામાં કરી દેવામાં આવી હતી. માર્ચ મહિનામાં દેશમાં કોરોનાના પ્રકોપ શરૂ થઈ ગયો અને લૉકડાઉન લાગુ થવાના કારણે તેને અમલી ન કરી શકાયો. હવે આ કાયદો લાગુ થઈ ગયા બાદ કન્ઝ્યૂમર સંબંધિત ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ જશે. ખાસ કરીને હવે ઓનલાઇન કારોબારમાં કન્ઝ્યૂમરના હિતોની રક્ષા ન કરનારી કંપનીઓને ભારે પડી શકે છે.