અત્યાર સુધી તો ગુજરાતના પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા બનાવવામાં આવતા ટીકટોક વીડિયો જ સામે આવ્યા છે. પણ હવે પોલીસની જ ઘોર બેદરકારીના પગલે લુખ્ખા આરોપીઓ ખુલ્લા મને પોલીસ સ્ટેશન જ્યારે તેમનું ઘર હોય તેમ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુકી રહ્યાં છે. બનાસકાંઠાના લાખણી આગથળા પોલીસ સ્ટેશનની ઘોર બેદરકારી સામે આવી છે. મારામારીના કેસમાં અટકાયત કરેલા ચાર યુવકોએ પોલીસ સ્ટેશનમાં જ ટિક્ટોક વિડીયો બનાવ્યો હતો અને તે વિડીયો વાયરલ થતા પોલીસ બેડામાં અફરાતફરી સર્જાઈ છે. પોલીસે ટીકટોક વીડિયો બનાવનાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ મામલે આરોપીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે મારપીટના આરોપમાં યુવકોને પોલીસે ઝડપ્યા હતા. જોકે પોલીસ સ્ટેશનમાં જ આરોપીઓએ ટીકટોક વીડિયો બનાવ્યો હતો. જેથી પોલીસ કર્મચારીઓની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે વીટીવીમાં અહેવાલ પ્રસારિત કરતાં આખરે હવે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.