કોરોના મહામારીના કારણે ગુજરાતમાં સ્કૂલ-કોલેજો છેલ્લા કેટલાય મહિનાથી બંધ છે. જેના પગલે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય પર તેની અસર થઈ રહી છે.ત્યારે હવે રાજ્યના વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તેને ધ્યાનમાં રાખી ડિજિટલ ટેકનોલોજી મારફતે હવે વિદ્યાર્થીઓને 15 જૂનથી હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ આપવામાં આવશે.
કોરોના મહામારીને રોકવાના ભાગરૂપે લાગુ કરાયેલા લૉકડાઉનના કારણે બ્લેક બોર્ડ આધારિત શિક્ષણ વ્યવસ્થા હવે ડિજિટલ માધ્યમ આધારિત થતી જોવા મળી રહી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 15મી જૂન, 2020ના રોજ સવારે 8.00 કલાકથી ડીડી ગિરનાર પરથી હોમ લર્નિંગ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં હોમ લર્નિંગ અભિયાન અંગેની વિગતવાર માહિતી આપતાં ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, દૂરદર્શન ડીડી ગિરનાર દ્વારા શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ થશે.. તેમાં ધોરણ 3થી 12ના તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત બાયસેગ દ્વારા વંદે ગુજરાત ચેનલ ઉપર પણ GCERT તથા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 5 થી 12ના કાર્યક્રમોનું પ્રસારણ પણ કરાશે.
આ હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓ પાસે TV કે મોબાઇલની સુવિધા નથી તેવા વિદ્યાર્થીઓ માટે ધોરણ 1 થી 8 માટે જીસીઇઆરટી દ્વારા તૈયાર થયેલ શૈક્ષણિક પ્રવૃત્તિ કે વર્કશીટ જે તે જિલ્લા દ્વારા પ્રિન્ટ કરીને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સમયસર વિતરણ થાય તેનું પણ નક્કર આયોજન કરાયું છે.
આ સાથે જ શિક્ષકો દ્વારા પાઠયપુસ્તકો ઘરે ઘરે પહોંચાડવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે અને આ પુસ્તકો કે શૈક્ષણિક સામગ્રી સમયસર વિદ્યાર્થીઓને પહોંચે તેની વ્યવસ્થા પણ જે તે જિલ્લાના સ્થાનિક તંત્રએ કરવાની રહેશે.