ગુજરાતમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. એકબાજુ અમદાવાદમાં બે દિવસ કર્ફ્યૂ લાદવામાં આવ્યુ છે તો સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યુ છે. ત્યારે દર વર્ષે દિવાળી પછી યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને લઈને જુનાગઢ જિલ્લા કલેક્ટરે મોટો નિર્ણય લીધો છે.
જૂનાગઢના જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાય. જૂનાગઢ સહિત રાજ્યભરમાં વધતા જતા કોરોનાના સંક્રમણની સ્થિતિને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને પરિક્રમા કરવા ન આવવા તંત્રએ અપીલ કરી છે.
કોરોનાના કારણે પ્રથમવાર પરિક્રમા બંધ રહેતા વર્ષોની પરંપરા તુટશે. મહત્વનું છે કે, દર વર્ષે અગિયારસના દિવસથી લીલી પરીક્રમા શરૂ થાય છે. ગિરનારની તળેટીમાં 4 દિવસનો મેળો યોજાય છે તથા 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જંગલમાં પરિક્રમા કરી ધન્યતા અનુભવતા હોય છે.