ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીના કારણે હાહાકાર મચ્યો છે. 2 મહિનાથી વધુ સમય સુધી લોકડાઉન લગાવાયા બાદ અનલોક 1, અનલોક 2 અને હવે અનલોક 3 લાગુ કરવામાં આવ્યુ છે. જેમાં મોટાભાગના પ્રતિબંધોને હટાવવામાં આવ્યા છે. જેમાં ધાર્મિક સ્થાનોને પણ ખોલી દેવામાં આવ્યા છે. જોકે, હજી પણ કોરોનાના સંકટને જોતા ધાર્મિક કાર્યક્રમો તેમજ મેડાવળાને મંજુરી આપવામાં આવી નથી. ત્યારે આગામી ઓગસ્ટ મહિનામાં આવતા જનમાષ્ટમી, ગણેશ ચતુર્થી, મોહર્રમ સહિતના ધાર્મિક તહેવારોને લઈ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
(File Pic)
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડોદરાની મુલાકાત દરમિયાન આ અંગે મહત્વનું નિવેદન આપ્યુ હતું. અહીં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને 4 વર્ષ પૂરા કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તો સાથે જ ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોની ઉજવણીને લઈને પણ મહત્વની જાહેરાત કરી હતી.
(File Pic)
તેમણે જણાવ્યું કે, આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને લઈ વિવિધ મંડળના આગેવાનોએ સરકારને રજૂઆત કરી હતી. કોરોનાને લઈ તહેવારો પર પ્રતિબંધ લગાવવા વિવિધ મંડળો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેથી સરકારે ધાર્મિક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. કોરોના સંક્રમણમાં વધારો ના થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. સાથે જ ઓગસ્ટ માસમાં આવતા તમામ તહેવારોની ભીડ એકત્રિત થાય તેવા કાર્યક્રમો યોજીને ન ઉજવવા અપીલ કરી છે. સાથે જ તેમણે આ તહેવારોને ઘરમાં જ ભક્તિભાવપૂર્વક ઉજવવા રાજ્યના લોકોને અપીલ કરી છે