દેશમાં અચાનક વધી રહેલા કોરોના સંક્રમણના નવા કેસોને મુદ્દે કેન્દ્ર સરકાર કડક સાવચેતીના પગલાં ઉઠાવી રહી છે, જે હેઠળ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે આદેશ જાહેર કરતાં જણાવ્યું હતું કે, વર્તમાન કોવિડ ગાઇડલાઇન દેશભરમાં 31 માર્ચ સુધી લાગૂ રહેશે.
પોતાના આદેશમાં સરકારે રાજ્ય સરકારોને રસીકરણને વધુ ગતિમાન કરવાના નિર્દેશ પણ આપ્યા હતા. દેશભરમાં ચાલી રહેલા કોરોના સંક્રમણ વિરુદ્ધ રસીકરણ અભિયાન દરમિયાન વિતેલા દિવસોમાં સંક્રમણના કેસોમાં ઉછાળો આવ્યો હતો.
જે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય બની ગયો છે. લાંબા સમયથી કોરોના સંક્રમણથી પ્રભાવિત રાજ્યોમાં મોખરે મહારાષ્ટ્ર અને કેરળમાં પરિસ્થિતિઓ ગંભીર રુપ ધારણ કરી ચૂકી છે. આ સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ ભયજનક રીતે કેસો વધતા નોંધાયા હતા, જે પછી સરકારે સાવચેતી પેટે કડક પગલાં ઉઠાવ્યા હતા.
બે દિવસ દેશભરમાં રસીકરણ અભિયાન રહેશે બંધ
આ દરમિયાન દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન બે દિવસ સ્થગિત કરવાની જાહેરાત પણ સ્વાસ્થ મંત્રાલય દ્રારા કરવામાં આવી હતી, સ્વાસ્થ મંત્રાલયે આપેલી માહિતી મુજબ આગામી બે દિવસ 27 અને 28 ફેબ્રુઆરીએ દેશભરમાં કોરોના રસીકરણ નહીં થાય. આ અંગે કારણ જણાંવતા મંત્રાલયે કહ્યું હતું કે આગામી બે દિવસ દરમિયાન કોવિન ડિજિટલ પ્લેટફોર્મને 1.0થી 2.0માં એપડેટ કરવામાં આવશે. જેના લીધે રસીકરણ અભિયાન રોકવામાં આવ્યું છે.