દેશમાં કોરોના સામેની જંગ ચાલી રહી છે. ત્યારે કેન્દ્રથી લઈ રાજ્ય સરકારો કોરોનાના સંક્રમણને રોકવા માટે પ્રયાસ કરી રહી છે અને આ માટે આકરા પગલા પણ લેવામાં આવી રહ્યા છે.જોકે કોરોના સામેની આ જંગ દરમિયાન કેટલાક ભાગોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પર હુમલાની પણ ઘટના સામે આવી ચુકી છે.
જેને લઈ હવે વડાપ્રધાન મોદીની અધ્ક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકના નિર્ણય અંગે જાણકારી આપતા પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, હવે દેશમાં મેડિકલ ટીમ પર થતા હુમલાઓ સહન નહીં કરાય.
આરોગ્યકર્મીઓ પર થતા હુમલા બિનજામીનપાત્ર અપરાધ ગણાશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મેડિકલકર્મીઓ પર હુમલો કરનારાઓને જામીન નહીં મળે તેમજ 30 દિવસની અંદર તપાસ પુરી કરવામાં આવશે.. જ્યારે 3 મહિનાથી 5 વર્ષ સુધીની સજા થઈ શકે છે.
આ ઉપરાંત ગંભીર મામલાઓમાં 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજાનું પ્રાવધાન કરવામાં આવ્યુ છે. ગંભીર મામલાઓમાં 50 હજારથી 2 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે. મહત્વનું છે કે, સરકાર દ્વારા જાહેર કરાયેલા વટહુકમમાં 123 વર્ષ જુના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.