કોરોના સંકટકાળમાં બેંક લોનની ઈએમઆઈ ભરવા માટે રીઝર્વ બેંક તરફથી આપવામાં આવેલ લોન મોરેટોરિયમની રાહત 31 ઓગસ્ટે પૂર્ણ થઈ ગઈ છે.ત્યારે લોન મોરેટોરિયમની સમયમર્યાદા વધારવાની માંગણી વાળી બે અરજીઓ પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી ત્રણ જજની બેન્ચ સુનાવણી કરી રહી છે.
આ અંગે કેન્દ્ર સરકાર તરફથી બેન્ચ સમક્ષ પ્રસ્તુત થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ લોન મોરેટોરિયમ બે વર્ષ સુધી લંબાવાય તેવા સંકેત આપ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી મોરેટોરિયમ અંગે સોમવારે એફિડેવીટ દાખલ કરવામા આવી હતી. જે અંગે બેન્ચે કહ્યું કે હજુ સુધી તેમની પાસે એફિડેવીટ આવ્યું નથી. ત્યારબાદ બેન્ચે સુનાવણી સ્થગિત કરી નાખી હતી.
હવે આ મામલે આવતીકાલે એટલે કે બુધવારે સુનાવણી થશે. આ અંગે કેન્દ્ર અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, લોનમોરેટોરિયમ બે વર્ષ સુધી લંબાવવામાં આવી શકે છે. ભારતીય રીઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર તરફથી રજુઆત કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ન્યાયાધીશ અશોક ભૂષણની આગેવાનીવાળી પીઠ સમક્ષ આ વાત કહી. તેમણે સ્પષ્ટ કર્યું કે, મોરટોરિયમ વધારવામાં આવી શકે છે. તેમણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કેન્દ્રએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સત્તાઓ અંગે પોતાનો જવાબ દાખલ કર્યો છે. સાથે જ કેન્દ્ર, આરબીઆઈ, બેંકર્સ એસોસીએશનોને સાથે મળીને બેઠક યોજવા માટે મંજૂરી આપવા પણ કોર્ટને વિનંતી કરી છે. આપને જણાવી દઈએ કે, કોરોના સંક્રમણની આર્થિક અસરને ધ્યાનમાં રાખીને RBIએ માર્ચમાં ત્રણ મહિના માટે મોરેટોરિયમની સુવિધા આપી હતી. આ સુવિધા 1માર્ચ થી 31 મે સુધી ત્રણ મહિના માટે લાગૂ કરવામા આવી હતી. ત્યારબાદ RBIએ તેને ત્રણ મહિના માટે વધારીને 31 ઓગસ્ટ સુધી કરી નાખી હતી. આ રીતે કુલ છ મહિના સુધી મોરેટોરિયમની સુવિધા આપવામા આવી છે. 31 ઓગસ્ટે આ સુવિધા સમાપ્ત થઇ ગઇ છે.
શું છે લોન મોરેટોરિયમ ?
લોન મોરેટોરિયમ એક એવી સુવિધા છે, જે અંતર્ગત કોરોના પ્રભાવિત ગ્રાહકો અથવા કંપનીઓને છૂટ આપવામાં આવી હતી. જેના હેઠળ ગ્રાહકો અને કંપનીઓની પાસે આ સુવિધા હતી કે તેઓ પોતાના માસિક ઈએમઆઈને ટાળી શકે છે. આ સુવિધા સાથે ગ્રાહકોને મોટી રાહત મળે છે પરંતુ ત્યારબાદ તેમને આગામી સમયમાં વધુ નાણાં ચુકવવા પડતા હોય છે.