સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે જેના કારણે વિશ્વના અનેક દેશોમાં જાણે આર્થિક ગતિ ધીમી પડી ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. હાલ ભારત, અમેરિકા, ચીન સહિતના દેશો આ વાયરસનો ખાતમો કરવા માટે વેક્સીન પર કામ કરી રહ્યા છે. તેવામાં અમેરિકામાં ચાલી રહેલ વેક્સીનના ટ્રાયલને લઈ સામે આવેલા એક અહેવાલે વિશ્વને વધુ એક સારા સમાચાર આપ્યા છે.
એસ્ટ્રાજેનેકાની કોવિડ 19 વેક્સીન પર હવે ફેઝ 3 ટ્રાયલ શરુ કરી દેવામાં આવ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગેની જાહેરાત કરી જણાવ્યું કે આ વેક્સીન એપ્રૂવલની ખૂબ જ નજીક છે. વેક્સીન બનાવવાની પ્રક્રિયામાં ઘણા વર્ષો લાગી જતા હોય છે પરંતુ તેમના પ્રશાસને બહુ ટૂંકા સમયમાં આ કરી બતાવ્યું છે. આપને જણાવી દઈએ કે, એસ્ટ્રાજેનેકાની વેક્સીનને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કરી છે.
કંપનીના જણાવ્યા મુજબ, અમેરિકામાં 80 સ્થળોએ આશરે 30 હજાર લોકો પર ફેઝ 3 ટ્રાયલ કરવામાં આવશે. આ અંગે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું કે, મને આ જાહેરાત કરતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે એસ્ટ્રાજેનેકાની વેક્સીન ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં પહોંચી ગઈ છે. આ હવે એ વેક્સીનની યાદીમાં સામેલ થઈ ગઈ છે જે પૂરી રીતે તૈયાર છે. અમેરિકામાં હવે આગામી દિવસોમાં એ શક્ય થવા જઈ રહ્યું છે જે લોકોએ વિચાર્યુ પણ નહતું. મહત્વનું છે કે, એસ્ટ્રાજેનેકા ઉપરાંત ચીનની બે વેક્સીન તેમજ ભારતની વેક્સીન પર પણ ટ્રાયલ ચાલી રહ્યા છે.