ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. અમેરિકામાં અત્યાર સુધી સૌથી વધુ કેસ નોંધાયા છે. ત્યારે કોરોના વાયરસની રસી બનાવનારી અમેરિકાની દિગ્ગજ કંપની ફાઈઝરે અમેરિકાને જ વેક્સીન આપવાનો ઈનકાર કરી દીધો છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે દુનિયાના બીજા દેશોએ કોરોનાની વેક્સીનના ડોઝના મોટા ઓર્ડર અગાઉથી જ આપી રાખ્યા હોવાથી તે અમેરિકાને તત્કાળ ડોઝ પુરા પાડી શકે નહીં. ફાઇઝરે ટ્રમ્પ સરકારને સ્પસ્ટ જણાવી દીધું છે કે, અન્ય દેશોએ તેની કોરોના રસી ખરીદવા ધસારો કર્યો હોઈ તે અમેરિકાને જૂન-જુલાઈ પહેલાં કોરોના રસીના વધારાના ડોઝ પુરાં પાડી શકશે નહીં.
આમ આ વર્ષના આરંભે અમેરિકી સરકારે ખરીદેલા ફાઇઝરના કોરોના રસીના 100 મિલિયન ડોઝની તેની અપેક્ષા પ્રમાણે પુરા નહીં પાડવામાં આવે. બીજીબાજુ અમેરિકાના ડો. માઇકલ રયાને જણાવ્યું હતું કે, હાલ કોરોના મહામારીમાં એક મિનિટમાં એક કે બે અમેરિકનો મોતને ભેટી રહ્યા છે તે આઘાતજનક છે. હવે આ સ્થિતિમાં અમેરિકાને જ ફાઈઝર દ્વારા તત્કાળ રસી આપવાના કરેલા ઈનકારથી અહીં સ્થિતિ વધારે કથળી શકે છે. મહત્વનું છે કે, ગત મહિને જ ફાઇઝર અને બાયોએનટેક દ્વારા જાહેર કરવામાં આવ્યું કે તેમની કોરોના રસી 90 ટકા અસરકારક છે.