કહેવાય છે કે એક દાદા-દાદી માટે સૌથી મોટુ સુખ એ હોય છે જ્યારે તેમના ખોળામાં પૌત્ર-પૌત્રીઓ રમે અને જેમના પર તેઓ પોતાનો પ્રેમ ન્યૌછાવર કરે. દાદા-દાદી માટે તેમના દીકરાના દીકરા-દીકરી માટેનો પ્રેમ અલગ જ હોય છે. જોકે ભોપાલમાં એક દાદા એવા પણ છે જેમણે પૌત્ર-પૌત્રીઓના જન્મ પર જ પ્રતિબંધ લગાવી દીધો છે. આ મામલો મધ્યપ્રદેશના ભોપાલના એક સેવાનિવૃત્ત અધિકારીના પરિવારનો છે. ભોપાલના સેવાનિવૃત્ત અધિકારી નથી ઈચ્છતા કે તેમના પુત્રના ઘરે પારણું બંધાય.
તેમણે આ માટે એકના એક દીકરાની વહુ પર બાળકો પેદા નહીં કરવાને લઈ દબાણ બનાવ્યું છે. સાથે જ ચિમકી પણ આપી છે કે જો એક પણ સંતાન થશે તો તેઓ પોતાની સંપત્તિમાંથી દીકરાને બેદખલ કરી દેશે.
આ અંગે સેવાનિવૃત્ત અધિકારીએ પોતાનો તર્ક આપતા નિવેદન આપ્યુ હતું કે દીકરા અને વહુને જો કોઈ સંતાન થશે તો તેઓ મને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે. મેં મારા દીકરાના લગ્ન સંતાન ઉત્પત્તિ માટે નથી કરાવ્યા. તેમની પહેલી જવાબદારી મારી સેવા કરવાની છે. મારા મોત બાદ તેઓ સંતાન પેદા કરી શકે છે.
મહત્વનું છે કે, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે લગ્નના સાત વર્ષ બાદ પણ એકેય સંતાન ન આવતા દુખી થયેલી પુત્રવધુએ કુટુંબ કોર્ટનું શરણું લીધું. પુત્રવધુએ કોર્ટમાં અપીલ કરી છે કે કોર્ટ દ્વારા તેના સસરાને આ બાબતમાં સમજાવવામાં આવે. ત્યારે આ મામલે કોર્ટે આગામી સુનાવણી દરમિયાન સસરાને હાજર થવા આદેશ કર્યો છે.