ગુજરાતમાં 5 માર્ચે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા શરુ થવાની છે. જેની તમામ તૈયારીઓ થઈ ચુકી છે….દર વર્ષે બોર્ડની પરીક્ષા દરમિયાન અનેક ગેરરીતીઓના કેસો સામે આવતા હોય છે.
ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પણ બોર્ડની પરીક્ષાને લઈ ગેરરીતી અટકાવવા કેટલાક નિયમો કડક કરવામાં આવ્યા છે. જે અંતર્ગત પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી બૂટ, ચંપલ મોજા પહેરીને નહીં જઈ શકે એટલે કે વિદ્યાર્થીઓને તમામ વસ્તુઓ બ્લોક બહાર રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
રાજ્યભરમાંથી 17 લાખ વિદ્યાર્થીઓ અને અમદાવાદમાંથી 1 લાખ 96 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તેવા કિસ્સામાં શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક તકેદારીના પગલા પણ લેવામાં આવ્યા છે. જેથી બોર્ડની પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે. તે હેતુથી જ પરીક્ષા કેન્દ્રો પર બ્લોક બહાર જ વિદ્યાર્થીઓએ પોતાના બૂટ, ચંપલ અને મોજા રાખવા પડશે, એટલે કે આ તમામ ચીજવસ્તુઓ પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી પહેરીને જઈ શકશે નહીં. મહત્વનું છે કે ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરક્ષાની તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે.