ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પગપેસારો થઈ ચુક્યો છે. તેવામાં કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. બ્રિટેન, અમેરિકા અને રશિયા જેવા દેશોમાં વેક્સિનેશનની કામગીરી પણ શરુ થઈ ગઈ છે ત્યારે નવા વર્ષની શરૂઆત સાથે જ કરોડો ભારતીયોને મોટી ભેટ મળી છે.
કોરોના વેક્સીનને લઈને શુક્રવારે નિષ્ણાંતોની બનેલી એક ટીમે કોરોનાની પહેલી જ વેક્સીનની મંજુરી આપી દીધી છે. ભારતમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે. આ તમામ દેશવાસીઓની સાથે સાથે સરકાર માટે પણ રાહતના સમાચાર છે.
વેક્સિન લાગવાની શરુઆતની સાથે જ દેશ નોર્મલ લાઈફ તરફ પણ આગળ વધતો જશે, પરંતુ સમગ્ર દેશમાં વેક્સિનેશન માટે લાંબો સમય લાગી શકે છે. આ માટેના આયોજન માટે હાલ સરકાર દ્વારા ખાસ વિચારણા પણ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ભારતમાં આ પ્રથમ વેક્સિન છે જેને મંજૂરી મળી ગઈ છે. ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા આ કોવિશીલ્ડ નામની વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. જેને ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપી દેવામાં આવી છે.