સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય ક્ષેત્રે કાવાદાવા શરૂ થઇ ગયા છે. ખાસ કરીને પોતાનાં પક્ષવાદ અને તડાઓના કારણે પ્રખ્યાત કોંગ્રેસમાં ફરી એકવાર તડાઓ સામે આવી ચુક્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને પત્ર લખીને સનસનીખેજ આરોપો લગાવવામાં આવ્યા છે. જેમાં અનિલ રાજપૂત નામના કાર્યકર્તા દ્વારા પત્ર લખીને ચોંકાવનારા દાવાઓ કરવામાં આવ્યા છે.
આ પત્રના કારણે હાલ તો સમગ્ર કોંગ્રેસ સહિત સમગ્ર રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઇ છે. અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્યએ ટિકિટ વેચવાનો ધંધો શરૂ કર્યાનો આરોપ લગાવાયો છે.
ટિકિટ 3થી 8 લાખમાં વહેંચાતી હોવાનો આરોપ પત્રમાં કરાયો છે. હિંમતસિંહ પટેલ પર આરોપ લગાવ્યો છે કે તેઓ 3થી 8 લાખમાં ટિકિટ વેચે છે. અને શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાન્ત પટેલ પર પણ મોટા આક્ષેપો કર્યા છે.
આ ઉપરાંત અમદાવાદના એક નેતા શરાબ અને શબાબની મહેફિલ માણતા હોવાનો પણ આક્ષેપ છે. પત્ર લખનાર કોંગ્રેસના કાર્યકરે રાજીવ સાતવને પણ ચીમકી ઉચ્ચારી છે કે સાતવ કાર્યપદ્ધતિ નહીં બદલે તો કેન્દ્રીય નેતાઓને ફરિયાદની ચીમકી કરી છે.