દર વર્ષે ભવ્યતાથી અમદાવાદના આંગણે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વખતે કોરોનાએ ભંગ પડાવ્યો છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા રથયાત્રાને મંદિર પરિસરમાં યોજવા મંજૂરી મળી છે.
વહેલી સવારે 4 વાગ્યે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ વિધિવત કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં ભગવાન જગન્નાથના રથને પ્રસ્થાન કરાવવા રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ખાસ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે તેમના પત્ની અંજલીબેન રુપાણી તેમજ અમદાવાદના મેયર બિજલબેન પટેલ પણ હાજર રહ્યા હતા. અમદાવાદ જગન્નાથ મંદિરમાં શરતોને આધિન રથયાત્રા નીકાળવામાં આવી છે.
તો ભક્તોએ ઘરેબેઠા ભગવાનના દર્શનનો લ્હાવો લીધો હતો. હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી, જય રણછોડ માખણ ચોરથી મંદિર ગુંજી ઉઠ્યુ હતું.
આ વર્ષે રથયાત્રામાં 14 હાથી અને દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી મળી છે. તો ગણતરીના ભક્તોને જ મંદિરમાં દર્શન માટે મંજૂરી આપવામાં આવી છે. જેમને થર્મલ ગનથી ચેક કરી મંદીરમાં પ્રવેશ અપાયો હતો. મંદિર પરિસરમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.