બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતને બે મહિનાથી વધુ સમય વીતી ગયો છે પરંતુ આ મામલે હજી પણ નવા નવા વળાંકો સામે આવી રહ્યા છે. મુંબઈ અને પટના પોલીસ બાદ આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. સીબીઆઈની ટીમ સુશાંત સિંહ મોત કેસમાં અત્યાર સુધી ઘણા લોકોની પૂછપરછ કરી ચુકી છે.
આ કેસમાં અત્યાર સુધી સીબીઆઈ હત્યાના એંગલથી તપાસ કરી રહી હતી જોકે, હજુ સુધી અભિનેતાના મોતનો કોયડો ઉકેલાયો નથી અને સુશાંતની હત્યાનો કોઈ પુરાવો સીબીઆઈના હાથે લાગ્યો નથી. ત્યારે હવે સીબીઆઈએ આ કેસમાં આત્મહત્યાના એંગલ પર તપાસ આગળ વધારી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સીબીઆઈના અધિકારીઓએ કહ્યું કે તેઓ આત્મહત્યાના એંગલ પર ફોકસ કરી રહ્યા છે. સીબીઆઈની ટીમને એવી પણ આશંકા છે કે સુશાંતસિંહને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં પણ આવ્યો હોઈ શકે છે. જેથી આ એંગલથી પણ અધિકારીઓ તપાસમાં લાગ્યા છે. અત્યાર સુધી સીબીઆઈએ ક્રાઇમ સીનને રી-ક્રિએટ કર્યો, મુંબઈ પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવેલા પુરાવાઓની તપાસ કરી અને કેસમાં શંકાસ્પદ તમામ લોકોની પૂછપરછ કરી છે.
જેમાં કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી સહિતના લોકો સામેલ છે. મંગળવારે કેસની મુખ્ય આરોપી રિયાના માતા-પિતા સાથે સીબીઆઈએ પૂછપરછ કરી હતી. તેમજ ડ્રગ્સ એન્ગલની તપાસ માટે ગૌરવ આર્યાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.