પશ્ચિમ બંગાળમાં બીજેપીના ધારાસભ્ય અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે કોઈને કોઈ વિવાદ સામે આવતો જ રહે છે. ત્યારે આજે વહેલી સવારે પશ્ચિમ બંગાળના હેમતાબાદમાં બીજેપીના ધારાસભ્ય દેબેન્દ્ર નાથ રોયનો મૃતદેહ જાહેર માર્ગ પર આવેલ એક દુકાનની બહાર દોરડાથી લટકતો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળના હેમતાબાદના ભાજપના નેતા દેબેન્દ્રનાથ રોયનો મૃતહેદ મળવાના કારણે હડકંપ મચ્યો છે. દેબેન્દ્ર રોયનો મૃતદેહ તેમના ગામમાં જ જાહેર રસ્તા પર આવેલ એક દુકાનની બહાર દોરીથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટના બાદ પશ્ચિમ બંગાળના ભાજપના નેતાની હત્યાનો આક્ષેપ ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
(File Pic)
હાલમાં પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે. પશ્ચિમ બંગાળ ભાજપે કહ્યું કે ઉત્તર દીનાજપુરના રિઝર્વ સીટ હેમતાબાદના ભાજપ નેતા દેબેન્દ્રનાથ રોયના મૃતદેહને તેમના ગામના બિંદલમાં લટકેલી હાલતમાં મળ્યો છે. પાર્ટીએ કહ્યું મોટાભાગના સ્થાનિક લોકો પણ માની રહ્યા છે કે ભાજપ નેતાની હત્યા કર્યા બાદ તેમના મૃતદેહને દોરડાથી લટકાવી દેવાયો છે. ભાજપે આ મામલે સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે દેબેન્દ્રનાથ રોય ગયા વર્ષે સીપીએમથી ભાજપમાં જોડાયા હતા. તેઓએ લોકસભા ચૂંટણી બાદ પાર્ટીનું સભ્ય પદ મેળવ્યું હતું.