ગુજરાતમાં કોરોના મહામારીના સંક્રમણને જોતા નવરાત્રિ યોજવાને લઈ હાલ અસમજંસભરી સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી નવરાત્રિ યોજવી કે નહીં તે અંગે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ પોતે નવરાત્રિના આયોજન ન થાય તેના સમર્થનમાં છે. આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નવરાત્રિના આયોજન અંગે વાત કરતા જણાવ્યુ કે, મારા મત મુજબ નવરાત્રિનું આયોજન ન થાય તો સારુ. ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવા સમયમાં રાજ્ય સરકારે નવરાત્રિમાં ગરબાની મંજૂરી આપવી ના જોઈએ. જોકે, ભાજપ પ્રદેશ પ્રમુખના આ નિવેદન બાદ રાજ્યના કેટલાક લોકો તેમના આ નિવેદનની ટિકા પણ કરી રહ્યા છે.
આ પાછળનું કારણ એ છે કે ખૂદ સીઆર પાટીલે સોશિયલ ડિસ્ટેન્સિંગના ધજાગરા ઉડાડ્યા હતા અને રેલીઓ યોજી હતી. એટલુ જ નહીં તેમના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ભાજપ નેતાઓ ગરબે પણ ઝૂમ્યા હતા.
સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ ઘણા ભાજપ ધારાસભ્ય, કાર્યકરો કોરોનાના સંક્રમણમાં આવ્યા હતા. તેમજ થોડા દિવસો બાદ ખૂદ સીઆર પાટીલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા અને હાલમાં જ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. ત્યારે રહી રહીને સીઆર પાટીલને બ્રહ્મજ્ઞાન થયુ હોય તેવા કટાક્ષ પણ લોકો કરી રહ્યા છે.