બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકામાં ગઈ કાલે નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મળી હતી. જેમાં ભારે હોબાળો થયો હતો. ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામસામે આવી ગયા હતા. નગરપાલિકાના વિકાસ કામોના ઠરાવ બાબતે અવિશ્વાસ જણાતા સભ્યો મિટિંગ છોડી બહાર નીકળી ગયા હતા. તેમજ 14 મા નાણાપંચના રુપિયા 71 લાખ પ્રમુખ સ્થાનેથી ઠરાવ કરી અન્ય કામોનુ ચુકવણુ કર્યા હોવાનો આક્ષેપ પણ વોક આઉટ કરેલા સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગ્રાન્ટને વાપરતા પહેલા મુનિશિપલ કમિશનરની પરવાનગી લેવી પડતી હોય છે. પરંતુ ભાજપના સદસ્યો તેમજ થરાદ નગરપાલિકાના પ્રમુખના અણઘટ વહીવટના કારણે અહીં પોલમ પોલ ચાલી રહી હોવાના આક્ષેપો પણ થઇ રહ્યા છે. સદ્સયોને જાણ કર્યા વગર બીલ પાસ કરાતા 12 સભ્યોએ વોક આઉટ કર્યું હતું તેમજ નગરપાલિકા પ્રમુખ કચેરીના વાહનોનો અંગત ઉપયોગ કરતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. થરાદ નગરપાલિકા કચેરીમા આવતી લાખો રુપિયાની ગ્રાન્ટો બારો બાર જતી હોવાના સવાલો ઉઠતા ઉપ પ્રમુખ કારોબારી ચેરમેન સહીતના સભ્યોએ વોક આઉટ કર્યું હતું.